
લોકપ્રસિદ્ધિમાં ‘વ્રત’ અને ‘ઉપવાસ’ બે છે અને તે કાયિક, વાચિક, માનસિક, નિત્ય, નૈમિત્તિક, કામ્ય, એકભુક્ત, અયાચિત, ચિતભુક, ચાન્દ્રાયણ અને પ્રજાપત્યના રૃપમાં અનુષ્ઠિત હોય છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જોવામાં આવે તો વ્રત, પર્વ અને તહેવારમાં ભેદ પણ છે. આ ત્રણેયમાં ત્રણ ગુણો પરસ્પર ઓતપ્રોત છે. વિશેષતા એ છે કે દરેકમાં એક ગુણ તો મુખ્ય છે જ અને બે ગુણો આંશિક રૃપથી મિશ્રિત છે.
વ્રતમાં સત્ત્વગુણ મુખ્ય છે અને રજ તથા તમ અંશતઃ મિશ્રિત છે. પર્વમાં રજોગુણ મુખ્ય છે અને સત્ત્વ તથા તમ અંશતઃ મિશ્રિત છે. તહેવારમાં તમોગુણ મુખ્ય છે અને રજોગુણ તથા સત્વગુણ અંશતઃ મિશ્રિત છે. આ કયા પ્રકારે મિશ્રિત છે તે તેના સ્વરૃપ-જ્ઞાન દ્વારા જાણી શકાય છે.
ધર્મશાસ્ત્રોમાં સાત વારોનાં સ્વરૃપ વર્ણવાયેલાં છે. સ્વરૃપને અનુરૃપ જ તેનાં વ્રત – વિધાન છે. આ સર્વથા વૈજ્ઞાનિક છે. વસ્તુતઃ સાત વારોનો ઉદ્ભવ સ્વરૃપ, નામ અને ગુણ પૂર્ણરૃપે વૈજ્ઞાનિક છે.
વૈદિક ‘નક્ષત્ર વિજ્ઞાન’ (Astronomy) ખૂબ જ વિકસિત છે. વૈદિક ઋષિઓએ સર્વ પ્રથમ સૂર્ય અને ચન્દ્રની સ્થિતિ અને ગતિનું જ નિરીક્ષણ કર્યું નહીં. પરંતુ બુધ, ગુરુ, શુક્ર અને શનિ નામના અન્ય પાંચ ગ્રહોની ગતિ અને સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યું. આના આધાર પર સાત વારોનાં નામાંકન કર્યા. રવિ, સોમ, મંગળ, બુધ, બૃહસ્પતિ (ગુરુ), શુક્ર અને શનિ આ જ નામ સમસ્ત વિશ્વમાં પોતપોતાની ભાષામાં પ્રચલિત છે.
સૂર્યોદયથી જ વારનો પ્રવેશ મનાયો છે. કાલમાધવ, બ્રહ્મસ્ફૂટ સિદ્ધાન્ત, જ્યોર્તિિવદા ભરણ, પ્રભુતિ. જ્યોતિષશાસ્ત્રીય ગ્રંથોમાં સ્પષ્ટ કહેવાયું છે કે ‘વિશ્વની ઉત્પત્તિ સૂર્યથી જ થઈ છે, તેથી વારનો પ્રવેશ પણ સૂર્યોદયથી જ થાય છે.’ સિદ્ધાંત – શિરોમણિ, પુલસ્તિસિદ્ધાન્ત તથા વશિષ્ઠ સંહિતાનો અસંદિગ્ધ મત છે કે ‘સૂર્યના દર્શનનું નામ દિવસ અને અદર્શનનું નામ રાત્રિ છે. તેથી દિવસનો આરંભ સૂર્યોદયથી જ થાય છે.’
એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો કાળ અહોરાત્ર કહેવાયો છે. તેનો પ્રથમ ભાગ દિવસ અને બીજો ભાગ રાત્રિ કહેવાય છે. કાળની સૂક્ષ્મ ગણનાને લીધે દિવસ અને રાત્રિને છ-છ ભાગોમાં ગણિતીય પ્રણાલી દ્વારા વિભાજિત કરવામાં આવેલ છે. પ્રત્યેક ભાગને લગ્ન કહે છે. આમ ૧૨ લગ્નોનો એક અહોરાત્ર હોય છે. લગ્નના અડધા ભાગને હોરા કહે છે. આવી રીતે અહોરાત્ર ૨૪ હોરાની હોય છે. તેને પાશ્ચાત્ય વિદ્વાનોએ ‘અવર’ (HOUR)નું નામ આપ્યું છે. જે વાસ્તવમાં ‘હોરા’નું વિકૃત રૃપ છે.
બ્રહ્માંડની મધ્યે આકાશ છે. તેમાં સૌથી ઉપર નક્ષત્ર – કક્ષા છે. પોતાના તેજોમય રૃપના કારણે સૃષ્ટિની પ્રથમ હોરાનો સ્વામી સૂર્ય છે, તે પછી પોતપોતાની કક્ષા અનુસાર દરેક ગ્રહ પોતપોતાના ક્ષેત્રમાં હોરાનો સ્વામી છે.
જ્યારે પ્રથમ હોરાનો સ્વામી સૂર્ય થયો ત્યારે તે પછી ક્રમિકપણે શુક્ર, બુધ, ચન્દ્ર, શનિ, બૃહસ્પતિ તથા મંગળ આ છ આગળની છ હોરાઓના સ્વામી થતાં ગયાં.
સાત વારનાં સાત વ્રત : સાત ગ્રહોની પૂજા – ઉપાસના વૈદિક ઋષિઓ પણ કરતા હતા. કાલાન્તરે આ ગ્રહોનાં સ્વરૃપ અને વ્રત – વિધિ-વિધાન પણ મુક્કર કરવામાં આવ્યા.
સૂર્ય વ્રત દીર્ઘાયુ સ્વાસ્થ્યની પ્રાપ્તિ, ચર્મરોગ, કુષ્ઠરોગ, મધુપ્રમેહ વગેરેના ઉપચાર માટે કરવામાં આવે છે. જેનો આરંભ કારતક, માગસર, મહા અને વૈશાખ માસમાં કરવો જોઈએ. મીઠા અને તેલ વિનાના ભોજનનો સંકલ્પ કરી દરરોજ સૂર્ય ભગવાનને અર્ધ્ય આપવો જોઈએ. નિરાહાર અને નિર્જળ રહી સંધ્યા અને પ્રાતઃકાશે સૂર્યને અર્ધ્ય આપ્યા પછી જ પારણાં કરવામાં આવે છે. આ વ્રત છઠવ્રતના નામથી ઓળખાય છે. સૂર્યની ઉપાસના બાર મહિનાઓમાં બાર નામથી કરવામાં આવે છે. આ જ બાર આદિત્ય કહેવાય છે.
દામ્પત્યસુખ તથા પુત્રાદિની પ્રાપ્તિ માટે સોમવારના વ્રત દ્વારા શંકર – પાર્વતીજીની પૂજા – આરાધના કરવામાં આવે છે. શ્રાવણ માસમાં સોમવારનું વ્રત કરવાની પ્રથા સર્વત્ર ચાલતી આવી છે. ચન્દ્ર ભગવાનની પૂજા કરવાથી તથા ચન્દ્રાયણ વ્રતનું પાલન કરવાથી પાપોની નિવૃત્તિ અને ચન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે.
મંગળવારના વ્રતદેવતા હનુમાનજી છે. જે બળ, જ્ઞાન અને ઓજ પ્રદાન કરનારાં છે તથા સઘળા રોગો અને પીડાને હરનારા છે અને પ્રસન્ન થઈને રામજી સાથે મુલાકાત કરી આપનાર છે.
બુધવારના વ્રતદેવતા બુદ્ધિપ્રદાન અને વાણીના અધિષ્ઠાતા બુધ છે.
બૃહસ્પતિવારના આરાધ્ય ગુરુ છે. આ દિવસે વિદ્યા, બુદ્ધિ, ઋદ્ધિ, સિદ્ધિદાત્રી શ્રી લક્ષ્મીજીનું પણ પૂજન થાય છે.
શુક્રવારનું વ્રત સુખ અને સમ્પદા માટે કરવામાં આવે છે. આ દિવસે સંતોષી માતાની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે સંતોષીવ્રતનો સંકલ્પ કરવામાં આવે છે.
શનિવારનું વ્રત શનિ, રાહુ અને કેતુ ગ્રહોના કોપની શાંતિને માટે કરવામાં આવે છે.
સાત દિવસનાં વ્રત અને નક્ષત્ર વ્રતમાં તેના અધિષ્ઠાતા દેવતાનું પૂજા કરી વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે.
No comments:
Post a Comment